બોલિવૂડમાં લગ્નની સીઝન આખું વર્ષ ચાલુ રહેશે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટ બાદ હવે અભિનેત્રી અથિયા શેટ્ટી અને કેએલ રાહુલ લગ્નના બંધનમાં બંધાઈ શકે છે. આ બંને સેલિબ્રિટી લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. અહેવાલ અનુસાર અભિનેત્રી અથિયા શેટ્ટી અને KL રાહુલ આ વર્ષે લગ્ન કરી શકે છે. તેમના લગ્નની તૈયારી પણ શરૂ થઈ ગઈ છે. આ કપલ દક્ષિણ ભારતીય રીત-રિવાજ પ્રમાણે શિયાળામાં લગ્ન કરી શકે છે.

શેટ્ટી પરિવારના નજીકના એક સૂત્રે જણાવ્યું હતું કે, અથિયાના માતા-પિતા કેએલ રાહુલને ખૂબ પસંદ કરતા હતા અને જો બધુ બરાબર રહ્યું તો આ વર્ષના અંત સુધીમાં આ કપલ લગ્નના બંધનમાં બંધાઈ જશે. તમને જણાવી દઈએ કે, સુનીલ શેટ્ટીનો જન્મ મેંગ્લોરિયન તુલુ પરિવારમાં થયો હતો. કેએલ રાહુલ પણ મેંગલોર સાથે સંબંધ ધરાવે છે. આવી સ્થિતિમાં કેએલ રાહુલ અને અથિયા શેટ્ટીના લગ્ન દક્ષિણ ભારતીય રિવાજ પ્રમાણે થશે. જોકે હજુ સુધી બંનેના પરિવારો દ્વારા તેની સત્તાવાર પૃષ્ટિ નથી કરવામાં આવી.

રાહુલ અને અથિયાએ ગયા વર્ષે ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરીને પોતાના સંબંધોની સત્તાવાર રીતે જાહેરાત કરી હતી. ત્યારથી અથિયા પોતાના ચાહકો સાથે તેના અંગત અને વ્યાવસાયિક જીવનની રસપ્રદ તસવીરો અને વીડિયો શેર કરે છે. તાજેતરમાં કેએલ રાહુલના 30માં જન્મદિવસ પર અભિનેત્રીએ આ ક્રિકેટર માટે એક નોટ દ્વારા પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. અથિયાએ કેએલ રાહુલ સાથે તેની કેટલીક તસવીરો પણ શેર કરી છે. અથિયાના ભાઈ અહાન અને પિતા સુનીલ શેટ્ટી સાથે પણ કેએલ રાહુલનું સારૂં બોન્ડિંગ છે.