અંકલેશ્વરના ભરૂચી નાકા પાસે આવેલી હરિ દર્શન સોસાયટીના રહીશને મોબાઈલ સીમકાર્ડ બ્લોક કરવાનું કહી ગઠિયાએ રૂપિયા 3.99 લાખની ઓનલાઈન ઠગાઈ કરતા પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.

અંકલેશ્વરના ભરૂચી નાકા પાસે આવેલી હરિ દર્શન સોસાયટીમાં રહેતા અક્ષયકુમાર બિપિનચંદ્ર શાહ હાલ નિવૃત્તિનું જીવન જીવી રહ્યા છે. તેમના મોબાઈલ ફોન પર મેસેજ આવ્યો હતો, જેમાં તેમનું BSNLનું સીમકાર્ડ બ્લોક કરવામાં આવશે એમ જણાવાયું હતું. જેથી મેસેજમાં જણાવેલા નંબર પર સંપર્ક કરવાનું કહેતા અક્ષયકુમાર શાહે ફોન ધારકનો સંપર્ક કર્યો હતો.
જેમાં તેણે પ્રથમ 10 રૂપિયાનું રિચાર્જ કરવાનું કહી લિંક મોકલી ઓપન કરવા કહેતા અક્ષયકુમારે લિંક ઓપન કરતા ગઠિયાએ તેમના ખાતામાંથી અલગ અલગ રીતે રૂ. 3.99 લાખનું ટ્રાન્જેક્શન કરી તેમની સાથે છેતરપીંડી કરી હતી. આ છેતરપીંડી અંગે શહેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.